જાણો ભારતના ચંદ્રયાન-૩ મિશન વિશે

ભારત વર્ષોથી જે ઘડીની રાહ જોઈ રહ્યું હતું તે ઘડી આવી ગઈ છે. હવે ટૂંક સમયમાં ભારત ચંદ્રની જમીન પર પહોંચી જશે. ચંદ્રયાન-૩ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઇસરોના વૈજ્ઞાનિકો રાતદિવસ ચંદ્રયાનની સફળતા માટે મહેનત કરી રહ્યાં છે. ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથના જણાવ્યાં પ્રમાણે જ્યારે ભારતનું ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક ચંદ્રની જમીન પર લેન્ડ થશે ત્યારે એ ક્ષણ ભારત માટે અભૂતપૂર્વ ક્ષણ બની રહેશે. ચંદ્રયાન-૩ની સફળતા ભારતની અત્યારસુધીની સૌથી મોટી ઉપલબ્ધી સાબિત થવાની છે.

વિશ્વના દેશો વચ્ચે ચંદ્ર પર જવાની હરીફાઈ કેમ જામી છે

 • અમેરિકા, રશિયા, ચીન અને ભારત જેવા દેશોનો મુખ્ય હેતુ ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ માટે બેઝ કેમ્પ બનાવવાનો છે.
 • જો ચંદ્ર પર આવનજાવન સરળતાથી શરૂ થઈ જાય તો આપણા માટે અંતરિક્ષના ઘણા રહસ્યોને ઉકેલવાનું ખૂબ જ સરળ બની શકે છે.
 • મંગળ જેવા ગ્રહો પર જવા માટે ચંદ્ર એક સ્ટેપિંગ સ્ટોનની ભુમિકા ભજવી શકે છે. પૃથ્વીની તુલનામાં ચંદ્ર પરથી અંતરિક્ષયાન લોન્ચ કરવામાં આવે તો ખૂબ જ ઓછું ઇંધણ અને ખર્ચો આવે એમ છે.
 • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી છે, જેનો ઉપયોગ અંતરિક્ષયાનના ઇંધણ તરીકે થઈ શકે છે.
 • નાસાની શોધ અનુસાર ચંદ્ર પર ૧૦ લાખ મેટ્રિક ટન હિલિયમ-૩નો ભંડાર છે, જે પૃથ્વીની ૫૦૦ વર્ષ સુધીની ઊર્જાની જરૂરિયાતને પૂરી કરી શકે છે.  

ભારતના અત્યાર સુધીના ચંદ્ર મિશનો

ચંદ્રયાન-૧

ભારતે અત્યારસુધી બે ચંદ્ર મિશનો પૂર્ણ કર્યાં છે, પણ તેમાંથી કોઈ પણ મિશનમાં ભારતના ચંદ્રયાને ચંદ્રની જમીન પર પગ મૂક્યો નથી. આ પહેલાં ભારતે ચંદ્રયાન-૧ મિશન છોડ્યું હતું. આ પણ ભારતની ખૂબ મોટી સફળતા હતી. ચંદ્રયાન-૧ એ ચંદ્રની સપાટીથી ૧૦૦ કિમી દૂર ચંદ્રની ઓર્બિટ પર મૂકવામાં આવ્યું હતું. ચંદ્ર પર પાણીની શોધ પણ આ જ મિશને કરી હતી. ઇસરોના જણાવ્યા અનુસાર ચંદ્ર પર પાણી સમુદ્ર, ઝરણાં, તળાવ કે ટીપાંના સ્વરૂપે નહીં, પરંતુ ખનીજ અને ખડકોની સપાટી પર ઉપલબ્ધ છે. આ ભારતની ખૂબ મોટી સફળતા હતી.

ચંદ્રયાન-૨

ચંદ્રયાન-૧ની ભવ્ય સફળતા બાદ ઇસરોએ ૨૨ જુલાઈ, ૨૦૧૯ના રોજ ચંદ્રયાન-૨ લોન્ચ કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ ચંદ્રની જમીન પર ભારતનું પગલું ભરવાનું હતું. આ મિશનમાં ઓર્બિટર, લેન્ડર અને રોવરનો સમાવેશ થતો હતો. ઓર્બિટર સફળતાપૂર્વક ચંદ્રની સપાટીથી ૧૦૦ કિમીના અંતરે ચંદ્રની ઓર્બિટ પર મૂકવામાં આવ્યું હતું. જ્યારે લેન્ડર અને રોવર ચંદ્રની સપાટીથી માત્ર ૨.૧ કિમીના અંતરે હતું ત્યારે તેનો સંપર્ક તુટી ગયો હતો. આમ, ચંદ્રયાન-૨ આંશિક રીતે સફળ થયું હતું.

જાણો ચંદ્રયાન-૩ વિશે

ચંદ્રયાન-૩ મિશન એ ચંદ્રયાન-૨ મિશને અધુરા મુકેલાં કાર્યને પૂર્ણ કરશે. ચંદ્રયાન-૩ એ વધારે એડવાંસ્ડ અને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું છે કે ચંદ્રયાન-૩ને બનાવતી વખતે ખૂબ જ સાવચેતી રાખવામાં આવી છે. ચંદ્રયાન-૨ કરતાં તે વધુ મજબૂત અને એડવાંસ્ડ આવ્યું છે. આ વખતે ચંદ્રયાન ચંદ્રની જમીન પર સોફ્ટ લેન્ડિંગ કરશે અને ભારતને ગૌરવ અપાવશે.

ચંદ્રયાન-૩ની વિશેષતા

 • ચંદ્રયાન-૩ એ ત્રણ ભાગોમાં વિભાજિત છે, જેમાં લેન્ડર, રોવર અને પ્રણોદન મોડ્યુલરનો સમાવેશ થાય છે.
 • ચંદ્રયાનનું કુલ વજન ૩,૯૦૦ કિલોગ્રામ છે, જેમાં પ્રણોદન મોડ્યુલરનું વજન ૨,૧૪૮ કિલોગ્રામ અને રોવરનું વજન ૨૬ કિલોગ્રામ છે.
 • પ્રણોદન મોડ્યુલર એ ચંદ્રયાન-૩નો મુખ્ય ભાગ છે, જે લેન્ડર અને રોવરને ચંદ્રની સપાટીના ૧૦૦ કિમીના વિસ્તારમાં લઈ જશે.
 • પ્રણોદન મોડ્યુલર ૭૫૮ વોટ, લેન્ડર ૯૩૮ વોટ અને રોવર ૫૦ વોટની વિજળી ઉત્પન્ન કરશે.
 • લેન્ડરમાં ચાર પેલોડ છે, જ્યારે રોવરમાં ૨ પેલોડ છે.
 • પ્રોપેલ્શન મોડ્યુલમાં પોલરિમેટ્રી પેલોડ છે, જે ચંદ્ર પરથી પૃથ્વીનું સ્પેક્ટ્રમ અને પોલારિમેટ્રી માપીને અધ્યયન કરશે.
 • લેન્ડર અને રોવરના નામ ચંદ્રયાન-૨ પ્રમાણે જ રાખવામાં આવ્યાં છે. લેન્ડરનું નામ ભારતીય અવકાશ વિજ્ઞાનના જનક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ રાખવામાં આવ્યું છે.
 • લેન્ડરનું કાર્ય ચંદ્રયાન-૩ની ચાલકતા અને તાપમાન માપવાનું છે. તેમજ ચંદ્રની ધરતીનું તાપમાન અને લેન્ડિંગ સાઇટની આસપાસની ધરતીની કઠોરતા માપવાનું છે.
 • રોવર લેન્ડિંગ સાઇટની આસપાસની જમીનનું માળખું જાણવા માટે આલ્ફા કણ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર અને લેઝરવાળું બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરશે.

ચંદ્રયાન-૩ મિશન વિશે કેટલીક અગત્યની બાબતો

 • ચંદ્રયાન-૩નું લોન્ચિંગ LVM 3-M4 વ્હિકલ દ્વારા તારીખ ૧૪ જુલાઈ, ૨૦૨૩ના રોજ કરવામાં આવશે.
 • આ લોન્ચિંગ આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતેથી કરવામાં આવશે.
 • આ સમગ્ર મિશન માટે કુલ રૂ. ૬૧૫ કરોડનો અંદાજિત ખર્ચ થયો છે.
 • ચંદ્રયાન-૩ દ્વારા જે પણ જાણકારી એકત્ર કરવામાં આવશે તે ઇસરોના ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા રિસીવ કરવામાં આવશે.
 • આ મિશનની સફળતા ભારત માટે અંતરિક્ષવિજ્ઞાનના અનેક દરવાજાઓ ખોલી નાખશે.
Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News