આંખો આવવી, કન્ઝક્ટિવાઇટિસ, લાલ કે ગુલાબી આંખ, બળતરા, પાણી પડવું, આંખોમાં ખંજવાળ વગેરે રોગોમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

આજકાલ આંખો આવવી એટલે કે કન્ઝક્ટિવાઇટિસ(Conjunctivitis)ના રોગોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. હાલની સ્થિતિમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દસમાંથી સાત કેસ આંખો આવવી (કન્ઝક્ટિવાઇટિસ) અને આંખોના રોગો(Eye Diseases)ના આવે છે. કેટલાંક કેસોમાં આ રોગ ચેપી હોવાથી તેનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. જો આ રોગને અવગણવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. જાણો આ રોગ વિશે વિગતવાર.

આંખો આવવી એટલે કે કન્ઝક્ટિવાઇટિસ કેવો રોગ છે? (What is Conjunctivitis?)

કન્ઝક્ટિવાઇટિસ (Conjunctivitis) એ આંખોમાં રહેલાં કન્ઝક્ટાઇવા એટલે કે ડોળાં અને આંખના પોપચાંને જોડનારી અંતઃત્વચા પર સોજો આવવાથી થતો રોગ છે. કન્ઝક્ટાઇવાનું મુખ્ય કાર્ય આંખની રક્ષા કરવાનું અને તેને ભીની રાખવાનું હોય છે. આ કન્ઝક્ટાઇવા પર સોજો આવે કે તેને જરાં પણ નુકસાન થાય તો આંખો લાલ કે ગુલાબી (Pink Eye) થઈ જાય છે. કેટલાંક કિસ્સાઓમાં આંખોમાંથી પાણી પડવું, આંખોમાં બળતરા અને ખંજવાળ તથા સતત દુઃખાવો રહેતો હોય છે. આ રોગનો ઇલાજ ન કરાવવાથી આંખોને ગંભીર નુકસાન પહોંચી શકે છે.

કન્ઝક્ટિવાઇટિસના પ્રકાર (Types of Conjunctivitis)

 • કન્ઝક્ટિવાઇટિસના મુખ્ય ત્રણ પ્રકાર છે.
 • ઇન્ફેક્શિયસ કન્ઝક્ટિવાઇટિસ
 • એલર્જીક કન્ઝક્ટિવાઇટિસ
 • કેમિકલ કન્ઝક્ટિવાઇટિસ

ઇન્ફેક્શિયસ કન્ઝક્ટિવાઇટિસ (Infectious Conjunctivitis)

ઇન્ફેક્શિયસ કન્ઝક્ટિવાઇટિસનું મુખ્ય કારણ વાઈરલ હોય છે. તદ્‍ઉપરાંત બેક્ટેરિયલ, ફંગલ ઇન્ફેક્શન કે પ્રોટોઝોલ ઇન્ફેક્શનને કારણે પણ આ રોગ થતો હોય છે.

એલર્જીક કન્ઝક્ટિવાઇટિસ (Allergic Conjunctivitis)

એલર્જીક કન્ઝક્ટિવાઇટિસ વ્યક્તિને ધૂળ, રજકણ, પ્રદુષણ, કોન્ટેક્ટ લેન્સની સાફસફાઈમાં બેદરકારી વગેરેની એલર્જીને કારણે થતો હોય છે.

કેમિકલ કન્ઝક્ટિવાઇટિસ (Chemical Conjunctivitis)

કેમિકલ કન્ઝક્ટિવાઇટિસ એ કોઈ પણ હાનિકારક કેમિકલના સીધેસીધા આંખના સંપર્કમાં આવવાથી થતો હોય છે. આંખ જેવી આવા કેમિકલના સંપર્કમાં આવે કે તરત જ લાલ થઈ જાય છે અને તેમાં બળતરા થવા લાગે છે.

કન્ઝક્ટિવાઇટિસના લક્ષણો (Symptoms of Conjunctivitis)

 • ઇન્ફેક્શિયસ કન્ઝક્ટિવાઇટિસમાં આંખો લાલ કે ગુલાબી થઈ જાય છે અને તેમાંથી પાણી પડવા લાગે છે.
 • જો ઇન્ફેક્શન બેક્ટેરિયાને કારણે થયું હોય તો આંખમાંથી પરું (પિયાં) નીકળે છે. આંખોનાં પોપચા ચોંટી જાય છે.
 • એલર્જીક કન્ઝક્ટિવાઇટિસમાં આંખોમાં ખંજવાળ આવે છે, નાકમાંથી પાણી પડે છે અને છીંકો આવે છે.
 • કેમિકલ કન્ઝક્ટિવાઇટિસમાં આંખોમાં બળતરા અને દુઃખાવો થાય છે.

આંખો આવવી એટલે કન્ઝક્ટિવાઇટિસથી બચવાના ઉપાયો (Remedies of Conjunctivitis)

 • આંખો શરીરનો ખૂબ જ સેન્સિટિવ ભાગ છે, એટલે તેની સારસંભાળ રાખવામાં કાળજી રાખો.
 • ગંદા પાણીથી ક્યારેય આંખો ન ધોવો કે ગંદા હાથે સ્પર્શ પણ ન કરો.
 • જો એક આંખે કન્ઝક્ટિવાઇટિસ થયો હોય તો તેના માટે ઉપયોગમાં લેવાયેલાં રૂમાલથી બીજી આંખ ન લૂછો.
 • દર્દીનો રૂમાલ અને ટૂવાલ અલગ રાખવો.
 • દર્દીને હાથ મિલાવ્યાં પછી તરત સાબુથી હાથ ધોઈ નાખવા.
 • આંખો આવી હોય ત્યારે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ટાળો.
 • આંખો આવી હોય તો ચશ્માં પહેરી રાખો, જેથી આંખોને ધૂળ કે રજકણથી રક્ષણ મળે.
 • આંખો આવી હોય તો આંખે કાજલ કે બીજા કોઈ પણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ ટાળવો.
 • દર્દીએ જાતે દવા કરવી નહીં કે જાતે કોઈ પણ જાતના ટીપાં ન પાડવાં.
 • ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.

આંખો આવવી એટલે કે કન્ઝક્ટિવાઇટિસનો ઇલાજ (સારવાર)

 • જ્યારે પણ એવું લાગે કે આંખો આવી છે કે આંખો લાલ કે ગુલાબી થઈ છે ત્યારે જાતે દવા કરવાને બદલે ડૉક્ટરનો સંપર્ક કરો.  
 • ડૉક્ટર તમારી આંખોનું યોગ્ય નિદાન કરીને તમને જણાવશે કે તમને કયાં પ્રકારનું કન્ઝક્ટિવાઇટિસ છે.
 • જો તમને એલર્જીને કારણે આંખો આવી હશે તો ડૉક્ટર તમને એન્ટિ-એલર્જીક આઈ ડ્રોપ (Anti-Allergic Eye Drop) આપશે.
 • જો તમને બેક્ટેરિયલ ઇન્ફેશનને કારણે આંખો આવી હશે તો ડૉક્ટર તમને એન્ટિ-બેક્ટેરિયલ આઈ ડ્રોપ (Anti-Bacterial Eye Drop) આપશે.
 • જો તમને વાઇરલ કે ઇન્ફેક્શિયસ કન્ઝક્ટિવાઇટિસ હશે તો ડૉક્ટર તમને ડૉક્ટર તમને એન્ટિ-વાઇરલ આઈ ડ્રોપ (Anti-Viral Eye Drop) આપશે.
 • ઘણાં કેસોમાં વાઇરલને કારણે આવેલી આંખો બે અઠવાડિયામાં આપોઆપ ઠિક થઈ જાય છે, પરંતુ આ પ્રકારના રોગોમાં આપમેળે સાજા થવાની રાહ જોવી એ તમારી આંખો માટે ગંભીર ખતરો નોંતરી શકે છે.

લોકોને મૂંઝવતાં પ્રશ્નો (FAQ)

શું આંખો આવવી એ ચેપી રોગ છે?

ના, આંખોના બધાં રોગ કે કન્ઝક્ટિવાઇટિસ ચેપી નથી. ફક્ત વાઇરલ કે ઇન્ફેક્શિયસ કન્ઝક્ટિવાઇટિસ ચેપી છે. તે પણ દર્દીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે. બેક્ટેરિયલ કે એલર્જીક કન્ઝક્ટિવાઇટિસ ચેપી નથી.

શું આંખો આવવી હોય તે વ્યક્તિની આંખો સામે જોવાથી ચેપ લાગી શકે?

ના, દર્દીને વાઇરલ કન્ઝક્ટિવાઇટિસ હોય તો પણ તેની આંખ સામે જોવાથી ચેપ નથી લાગતો. દર્દીની આંખમાંથી નિકળતાં પરું કે પાણીના સંપર્કમાં આવવાથી તમને કન્ઝક્ટિવાઇટિસનો ચેપ લાગી શકે છે.

કન્ઝક્ટિવાઇટિસમાં સાજા થતાં કેટલો સમય લાગે છે?

કન્ઝક્ટિવાઇટિસમાં સાજા થવામાં વધુમાં વધુ દસ દિવસ જેટલો સમય લાગી શકે છે.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News