સરકારની એડવાઇઝરી, પૂરની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું, ધ્યાન આપવા જેવું

રાજ્યભરમાં મેઘકહેર યથાવત છે ત્યારે ઠેર ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. નદીનો પાણી ગામમાં ઘૂસી ગયાં છે અને ગામેગામ બેટ જેવા બની ગયાં છે. આવી સ્થિતિ આપણે ત્યાં ક્યારે આવે તેનું કાંઈ કહેવાય નહિ. પૂરની સ્થિતિ વખતે શું કરવું અને શું ન કરવું વગેરેની માહિતી સામાન્ય જનતા સુધી પહોંચે અને લોકો તે બાબતે જાગૃત થાય તો થનારા નુકસાનમાં મોટો ઘટાડો થઈ શકે છે. માટે આ માહિતી ઘર ઘર સુધી પહોંચાડો તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં તો અચૂક પહોંચાડો.

સરકારની એડવાઇઝરી

સરકારે પૂરની સ્થિતિને પહોંચી વળવા અને આવેલી કુદરતી આફતથી લોકોને ઓછામાં ઓછું નુકસાન પહોંચે તે માટે જનહિતમાં એક એડવાઇઝરી બહાર પાડી છે. જે દરેક વ્યક્તિએ ધ્યાનમાં લેવા જેવી છે. સરકારના આપત્તિ વ્યસ્થાપન વિભાગ દ્વારા જનહિતમાં એડવાઇઝરી દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો જોઈએ. આપણી સાવચેતી એ જ આપણી સલામતી એ બાબતને ધ્યાનમાં રાખીને દરેક નાગરિક સભાન બને અને બીજાને પણ જાગૃત કરે તે દરેક નાગરિકની ફરજ છે.

પૂરની સ્થિતિ પહેલાં શું કરવું?

 • અફવાઓથી દૂર રહો અને મનફાવે તેમ અફવાઓ પણ ન ફેલાવો.
 • દરેક વ્યક્તિએ શાંતિ જાળવવા પ્રયત્ન કરવો અને ગભરામણ ન ફેલાવી.
 • પૂરની સ્થિતિ વિશે જાણકારી મેળવવા દરેક વ્યક્તિએ સ્થાનિક વહિવટીતંત્રના સંપર્કમાં રહેવું અને મળેલી સૂચનાઓનું પાલન કરવું.
 • જ્યારે પૂરની આગાહી કરવામાં આવે ત્યારે પોતે અને પોતાના પરિવારને સલામત જગ્યાએ ખસેડી લેવો.
 • હવામાન વિભાગની તાજેતરની માહિતીઓ અને આગાહીઓ જોતા અને સાંભળતાં રહો.
 • કપરી પરિસ્થિતિમાં મુશ્કેલી ન પડે તે માટે મોબાઇલ ફોનને ફૂલ ચાર્જ રાખો.
 • સંજોગો અનુસાર સ્થળાંતર કરવાનું થાય તો પોતાની પાસે સર્પદંશ, ઝાડા-ઉલટી અને બીજી સામાન્ય બીમારીઓને લગતી વધારાની દવાઓ સંગ્રહી રાખો.
 • પૂરની સ્થિતિમાં પાણી ભરાઈ જવાથી સર્પદંશના કિસ્સા વધી જાય છે. તેવા ઝેરી અને બિનઝેરી જીવજંતુઓથી પોતાની જાતને બચાવવા એક લાકડી અને છત્રી અવશ્ય સાથે રાખો.
 • પુરની સ્થિતિમાં પશુઓ પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે તેમને બાંધીને રાખવાની જગ્યાએ છૂટા રાખો.
 • પીવાનું પાણી, દવાઓ, ખાદ્યપદાર્થો, સૂકા નાસ્તો, મીણબત્તી, ફાનસ કે બેટરી, મજબૂત દોરડાં અને બેટરીના સેલ જેવી વસ્તુઓની વ્યવસ્થા કરી રાખવી.

સ્થળાંતર કરવાનું થાય ત્યારે શું કરશો?

 • પૂરની સ્થિતિ સર્જાય અને સ્થળાંતર કરવાનું થાય તો પોતાના પરિવાર અને પશુઓને લઈને કોઈ ઊંચી જગ્યાએ સ્થળાંતર કરી જવું.
 • જરૂર પડ્યે ઘરને તાળું મારીને જ્યારે જણવવામાં આવે ત્યારે દર્શાવેલાં માર્ગે જ સ્થળાંતરની જગ્યાએ પહોંચી જવું.
 • પૂરની સ્થિતિમાં પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ઘૂસી જતાં હોય છે. આવું ન થાય તે માટે ગટરને રેતીની કોથળીઓ મૂકી ઢાંકી દો.
 • અંગત દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સ, મોબાઇલ, દવાઓ, કપડાં, કીમતી ચીજવસ્તુઓ વગેરે પૂરમાં નાશ ન પામે તે માટે તેને અગાઉથી જ વોટરપ્રૂફ કોથળીમાં પેક કરીને સાચવીને મૂકી દો.
 • ઘરનો બીજો ઉપયોગી સામાન પૂરનું પાણી ન પહોંચે તેમ ઊંચે મૂકી દો.
 • ઘર છોડતાં પહેલાં લાઇટની સ્વીચ અને ગેસ કનેક્શન અચૂક બંધ કરો.
 • અજાણ્યા અને ઊંડા પાણીમાં ભૂલથી પણ ન ઊતરવું.

પૂરની સ્થિતિ દરમિયાન શું કરશો?

 • પૂરની સ્થિતિ દરમિયાન ગટર અને પાણીનો નિકાલ જે માર્ગેથી થતો હોય તેનાથી દૂર રહો.
 • વીજળીના થાંભલા અને છૂટા પડેલાં વીજળીના વાયરોથી દૂર રહો નહીં તો તમારો જીવ જોખમાઈ શકે છે.
 • પૂરની સ્થિતિ સર્જાય ત્યારે પીવાના પાણીનો બધો સ્રોત દૂષિત થઈ જાય છે. એટલે પાણીને ઉકાળીને અને જંતુમુક્ત કરીને જ પીવું.
 • આસપાસની જગ્યાએ જીવજંતુઓનો ઉપદ્રવ ઓછો કરવા બ્લિચિંગ પાઉડર અને ચૂનાનો છંટકાવ કરો.
 • અગાઉથી જ ખાદ્યપદાર્થોની વ્યવસ્થા કરી રાખવી. બાળકોને ભૂખ્યાં ન રાખવાં.
 • ખાદ્યપદાર્થોને ઢાંકીને રાખો અને સ્વચ્છ રાખો.

પૂર બાદ શું કરવું?

 • પૂરની સ્થિતિ સમાપ્ત થયાં બાદ પણ સાવચેતી રાખવી જરૂરી છે.
 • સ્થાનિક સત્તાધીશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલાં કાર્યકરો અને સામાજિક સેવકોની સલાહ અચૂક સાંભળો.
 • આપાતકાલિન સંજોગોમાં નીચે આપેલા નંબર પર ફોન કરો.
 • બાળકોને પૂરના પાણીથી દૂર રાખો.
 • પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકીને કારણે બીમારીઓ પેદા થાય છે. તેથી પોતાની આસપાસ સ્વચ્છતા જાળવો.
 • તૂટેલાં વીજ થાંભલાઓ અને તૂટેલાં પુલ કે નાળાંથી દૂર રહો.
 • કોઈ પણ ધારદાર ચીજવસ્તુઓ કે ભંગારથી સાવચેતીના ભાગરૂપે દૂરી બનાવો.  
 • પૂરના પાણીથી પલળેલો ખોરાક ન ખાઓ.
 • પૂરની સ્થિતિ પૂર્ણ થયાં બાદ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, જેનાથી મેલેરિયા અને ચીકનગુનિયાના કેસોમાં વધારો જોવા મળે છે. તેથી મચ્છરોથી પોતાની જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો.

ઇમરજન્સીની સ્થિતિમાં અહીં આપેલાં નંબરો પર ફોન કરવો.

જિલ્લા કંટ્રોલરૂમ:- ૧૦૭૭

રાજ્ય કંટ્રોલરૂમ:- ૧૦૭૦

નોંધ:- ઉપરોક્ત નંબરો લેન્ડલાઇન નંબરો છે. તેથી મોબાઇલથી સંપર્ક કરવા માટે તમારા જિલ્લાનો કોડ આગળ લખીને નંબર લગાવવો.

પૂરની સ્થિતિ અંગેની સંપૂર્ણ જાણકારી તમને નીચે આપેલાં સરકારી હેન્ડલ્સ પર મળી રહેશે.

ટ્વિટર હેન્ડલ પરથી માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

ફેસબુક હેન્ડલ પરથી માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

આ પણ વાંચો: ચોમાસામાં ઉપદ્રવ મચાવતી લાલ કીડીઓને ભગાડવાના 10 દેશી ઉપાયો

આંખો આવવી, કન્ઝક્ટિવાઇટિસ, લાલ કે ગુલાબી આંખ, બળતરા, પાણી પડવું, આંખોમાં ખંજવાળ વગેરે રોગોમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

NIOH Recruitment 2023: અમદાવાદમાં સરકારી નોકરીની તક, આજે જ અરજી કરો

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News