આજકાલ નાની ઉંમરમાં હાર્ટ ઍટેક આવવાના કિસ્સા કેમ વધી રહ્યાં છે? -Heart Attack at (15-25)Young Age

આજકાલ અવારનવાર સમાચારોમાં અને ન્યૂઝ પેપરોમાં જોવા મળે છે કે શાળામાં કે કૉલેજમાં ભણતાં યુવાનો કે દીકરીઓ રમતાં-રમતાં કે પછી વાતો કરતાં કે ડાન્સ કરતાં-કરતાં પડી જાય છે. તેમને દવાખાને લઈ જવાય એ પહેલાં તો તેનું પ્રાણ પંખેરું ઊડી જાય છે. ડૉક્ટરના જણાવ્યાં અનુસાર તેમને હાર્ટ ઍટેક આવ્યો હોય છે. આપણને સવાલ થાય કે આટલી નાની ઉંમરે હાર્ટ ઍટેક આવે જ કઈ રીતે? આવું કેમ થતું હશે? આવો સવાલ આપણને થાય છે કે કારણ કે આપણે હાર્ટ ઍટેક ફક્ત વૃદ્ધોને આવતાં જોયા છે. પણ આજે એવું નથી રહ્યું. આજે ૨૦-૨૫ વર્ષનો યુવાન હાર્ટ ઍટેકથી મરણ પામ્યો હોય એવા સમાચાર હવે રોજના થઈ ગયાં છે.

હાર્ટ ઍટેક કેમ આવે છે? (Why do Heart Attack Occur) 

હાર્ટ ઍટેક એટલે હૃદયનું અચાનક કામ કરતું બંધ થઈ જવું કે પછી અત્યંત ધીમું પડી જવું. હૃદય એ પંપ જેવું કાર્ય કરે છે. તે લોહીને શરીરના બધાં અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જ્યારે હૃદયની નસોમાં ચરબીયુક્ત કૉલેસ્ટ્રોલ જમા થાય અને લોહીના વહનમાં અડચણ થાય ત્યારે હૃદય પર દબાણ અનુભવાય છે. આ દબાણને કારણે છાતીમાં અસહ્ય દુઃખાવાનો અનુભવ થાય છે અને હાર્ટ ઍટેક આવે છે. જો સમયસર સારવાર ન મળે તો માનવીનું મૃત્યુ નિશ્ચિત હોય છે.

ઘણાં કિસ્સાઓમાં વ્યક્તિને હાર્ટ ઍટેકનો હુમલો આવે કે થોડી જ ક્ષણોમાં તેનું મૃત્યુ થાય છે. આવા હાર્ટ ઍટેકને કાર્ડિયાક અરેસ્ટ કહે છે. આજકાલ થઈ રહેલાં મોટાભાગના મૃત્યુ આ કાર્ડિયાક અરેસ્ટના લીધે થઈ રહ્યાં છે.

કાર્ડિયાક અરેસ્ટ એટલે શું? તે હાર્ટ ઍટેકથી કઈ રીતે અલગ છે?

આજની ઝડપી જીવનશૈલીમાં શરીર અને હૃદય બંને ધીમા પડી જાય છે. આપણી જીવનશૈલી તો ફાસ્ટ થઈ ગઈ છે, પણ આપણું હૃદય આપણી જોખમી આદતોના કારણે સ્લૉ થઈ ગયું છે. બંને વચ્ચે સમન્વય સંધાતો નથી એટલે હવે હાર્ટ ઍટેક આવે છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે હાર્ટ ઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને હૃદય સાથે સંબંધિત બીમારી છે. બંનેમાં લોહીની નસોમાં અવરોધ અને રક્તપ્રવાહમાં ખલેલ થવાની સમસ્યા સંકળાયેલી છે. આ સમસ્યાને કારણે ક્યારેક હૃદયની ગતિ અતિ ધીમી તો ક્યારેક અતિ ઝડપી બની જાય છે, ત્યારે કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ સર્જાય છે.

હૃદયને જરૂર પ્રમાણે પૂરતું લોહી ન મળવાની સ્થિતિમાં હૃદયની કામગીરીમાં વિક્ષેપ સર્જાય છે અને હૃદય અચાનક કામ કરતું બંધ થઈ જાય છે. ત્યારે અચાનક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. આ પ્રકારની ઘટનામાં વ્યક્તિને અતિ ઝડપી પ્રક્રિયાથી સારવાર આપીએ તો જ બચાવી શકાય છે. પણ જાણકારીના અભાવે આપણે કાંઈ સમજીએ એ પહેલાં જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.

કાર્ડિયાક અરેસ્ટ વખતે શું ધ્યાન રાખવું?

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિને પહેલેથી જ હૃદય સંબંધી બીમારી હોય તેને કાર્ડિયાક અરેસ્ટ આવવાનું જોખમ વધું હોય છે. કાર્ડિયાક અરેસ્ટ પાછળનું એક કારણ હાર્ટ ઍટેક પણ છે. ઘણી વાર હાર્ટ ઍટેકના દર્દીને ખબર પણ ના પડે ને કાર્ડિયાક અરેસ્ટ આવી જતો હોય છે. કાર્ડિયાક અરેસ્ટ એ હાર્ટ ઍટેક કરતાં વધુ ગંભીર અને જોખમી છે. આમાં વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. 

કાર્ડિયાક અરેસ્ટ સમયે વ્યક્તિના મોંમાં ફીણ વળવા લાગે છે અને તે બેભાન થઈ જાય છે. આવા સમયે વ્યક્તિને બચાવવા માટે માઉથ-ટુ-માઉથ પદ્ધતિથી ઑક્સિજન આપવો જોઈએ. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને સીપીઆર(કાર્ડિયોપલ્મોનરી રિસસાઇટેશન)ની તાલીમ મળેલી હોય તો તે પણ આપવી જોઈએ. આટલું કરવાથી વ્યક્તિને હૉસ્પિટલ પહોંચો કે ડૉક્ટર આવે ત્યાં સુધી તો બચાવી શકાય છે.

આપણી કઈ કઈ આદતો હાર્ટ ઍટેકને નિમંત્રણ આપે છે?

કાર્ડિયાક અરેસ્ટ પાછળ ઘણાં કારણો છે. જેમ કે, ધૂમ્રપાન, ડાયાબિટિઝ, કોલેસ્ટ્રોલનું વધતું પ્રમાણ, મેદસ્વીતા, ટાઇપ-એ- પર્સનાલિટી(દુઃખ, વ્યગ્રતા, લાગણીઓને દાબી રાખવી) વગેરે જેવા પરિબળો હાર્ટ ઍટેક અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ ઊભું કરી શકે છે.

નાની ઉંમરે હાર્ટ ઍટેક આવવાનું કારણ (Why Heart Attack occurs at young age)

આપણી બદલાતી લાઇફ સ્ટાઇલ, હાર્ડ ઍન્ડ ફાસ્ટ જીવનશૈલી, જીમ વગેરેમાં જલદીથી સારી બોડી કે ફિગર બનાવવા માટે વધુ પડતી કસરતો, કોલેસ્ટ્રોલયુક્ત પદાર્થોનું વધુ પડતું સેવન, ફાસ્ટ ફૂડનો અતિરેક, બહારનું વધુ પડતું જમવું, ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન, મેદસ્વીતા, શરીર પ્રત્યેની બેદરકારી, માનસિક અશાંતિ વગેરે જેવા અનેક કારણો હોઈ શકે છે.

હાર્ટ ઍટેક આવવામાં કોરોનાનો કેટલો ફાળો?

એક રીસર્ચના જણાવ્યાં પ્રમાણે દેશમાં કોરોના આવ્યાં પછી હાર્ટ ઍટેકના કિસ્સાઓમાં અચાનક ઉછાળો નોંધાયો છે. તે કોરોના સમયે લેવામાં આવેલી હાઈ ડોઝની દવાઓની આડઅસર હોઈ શકે. આથી જે વ્યક્તિને કોરોના થઈ ચૂક્યો હોય તેના પર હાર્ટ ઍટેકનું જોખમ વધારે હોય છે. કોરોના થયાના પાંચ વર્ષ પછી પણ હાર્ટ ઍટેક આવી શકે છે.

હાર્ટ ઍટેક આવતાં પહેલાં આપણું શરીર આપણને આ સંકેતો મોકલે છે, ધ્યાન આપો

  • છાતીમાં એક બાજુ અસહ્ય દુઃખાવો થાય.
  • મૂંઝારો કે ગભરામણ અનુભવાય.
  • માત્ર ડાબા હાથમાં દુઃખાવો થાય અથવા જડબામાં દુઃખાવો થાય.
  • હૃદય પર કોઈએ પથ્થર મૂકી દીધો હોય તેવું લાગે.
  • રમત રમીને આવી કે ક્યાંક બહારથી આવીએ ત્યારે અશક્તિ કે નબળાઈ અનુભવાય.
  • અચાનક શ્વાસ ચડે, ખૂબ પરસેવો વળે, ચક્કર આવે.
  • ઘણી વાર તીવ્ર એસિડિટી થઈ હોય એવું લાગે, પણ જો સાથે પરસેવો વળે અને ઉલટીઓ થાય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું.
  • ઉપરોક્ત કોઈ પણ લક્ષણ દેખાય તો રાહ જોયા વગર તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું.

હાર્ટ ઍટેક ક્યારેય આવે જ નહિ, તે માટે શું કરવું?

  • જીવનશૈલીમાં બદલાવ લાવો અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવો.
  • કઠિન કસરતોની જગ્યાએ હળવી કસરતો કરો. ચાલવા જાઓ, બહાર ફરવા જાઓ.
  • કોલેસ્ટ્રોલયુક્ત ખોરાક અને શુગરયુક્ત ખોરાકનું બને એટલું ઓછું સેવન કરો.
  • ટ્રાન્સફેટી ઍસિડ ધરાવતાં પિઝા, બર્ગર, ચીઝ વગેરે જેવા પ્રોસેસ્ડ ફૂડ અને બહારના જંક ફૂડનું બને તેટલું ઓછું સેવન કરો. આ બધાં બેડ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે.
  • આહારમાં લૉ કાર્બોહાઇડ્રેટ ખોરક લો અને પ્રોટીન યોગ્ય માત્રમાં મળે તેવો ખોરાક લો.
  • રોજીંદા ખોરાકમાં મીઠાંનું પ્રમાણ ઓછું કરી દો. એમાં પણ રાંધેલા ખોરાક પર ઉપરથી મીઠું નાખવાનું ટાળો.
  • બહારના સૉફ્ટ ડ્રિંક લેવાનું બંધ કરી દો. એમાં શુગરની માત્રા અતિશય હોય છે, જે તમને ખૂબ નુકસાન પહોંચાડે છે.
  • બહારનું જમવાનું ટાળો.
  • એકના એક તેલને વારંવાર તળીને ખાવાથી હાર્ટ ઍટેકનું જોખમ વધી જાય છે.
  • બેઠાળું જીવન ટાળો. જો રોજ બેસી જ રહેવાનું હોય તો ચાલવા જાઓ કે હળવી કસરત કરો.
  • સીઝનલ ફળોનું સેવન કરો.
  • ધૂમ્રપાન, તમાકુ, આલ્કોહોલ વગેરે જેવા વ્યસનથી દૂર રહો. તેનાથી સ્ટ્રેસમાં ઘટાડો થવાને બદલે સ્ટરેસમાં વૃદ્ધિ થાય છે. જે અતિ જોખમી હોય છે.
  • છેલ્લે, ખુશ રહો, ખોટી ચિંતાઓ ન કરો, જે થવાનું હશે તે થશે એટલે મોજમાં રહો.

આવી અવનવી માહિતીઓ માટે અમારા વ્હોટ્સએપ ગૃપને જોઈન કરો:- Join Whatsapp Group

આ પણ વાંચો

સાપ કરડે ત્યારે આટલું કરશો તો બચી જશો

GSRTC દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરની 7404 જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી

ગ્રામીણ ડાક સેવકમાં 30,000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી

ગુજરાતી સાહિત્ય, પ્રેરણાદાયક વાર્તાઓ, સરસ મજાની કવિતાઓ, તાજેતરના મુદ્દા પરના લેખો વાંચવા અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News