મણિપુર કેમ સળગી રહ્યું છે, મણિપુરમાં થઈ રહેલાં તોફાનોનું કારણ શું? જાણો વિગતવાર

મણિપુર એ પૂર્વોત્તર ભારતનું સૌથી સુંદર રાજ્ય છે. પહાડી વિસ્તારોમાં વસેલું આ રાજ્ય રત્નોના પ્રદેશ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે એક સમયે ભગવાન શિવ અને પાર્વતીના નૃત્યને જોવા માટે સ્વયં શેષનાગ અહીં પધાર્યા હતા. એમણે ધારણ કરેલા મણિના પ્રકાશથી આખો પ્રદેશ ઝળહળી ઊઠ્યો, ત્યારથી આ પ્રદેશ મણિપુર તરીકે ઓળખાય છે. તે ભારતનું રત્ન (Jewell of India) અને પોતાની સુંદરતાના કારણે પૂર્વનું કાશ્મીર (Eastern Kashmir) પણ કહેવાય છે.

જાણો ભારતનું સુંદર રાજ્ય મણિપુર કેમ સળગી રહ્યું છે?

મણિપુરમાં થઈ રહેલાં તોફાનોની શરૂઆત મણિપુર સરકારના ‘લેન્ડ સર્વે’ના કારણે થઈ હતી. શરૂઆતમાં આ લેન્ડ સર્વેને કારણે પહાડી વિસ્તારોમાં વસતા આદિવાસીઓને પોતાની જમીન છીનવાઈ જવાનો ખતરો હતો અને તે ખતરાએ આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પણ આજે આ આંદોલન હિંસક તોફાનોમાં પરિવર્તિત થઈ ગયું છે અને તે માત્ર જમીન મુદ્દાની લડાઈ ન રહેતાં હવે જાતિ અને ધર્મના નામની હિંસક લડાઈમાં પરિવર્તિત થઈ ગયું છે.

સરકારનો લેન્ડ સર્વે શું છે? જાણો વિવાદનું મૂળ

મણિપુર સરકાર આ લેન્ડ સર્વે દ્વારા એવું જણાવે છે કે આદિવાસીઓ જંગલની જમીનમાં ગેરકાયદે અફીણની ખેતી કરી રહ્યાં છે અને રાજ્યના જંગલો અને વન અભ્યારણ્ય પર ગેરકાયદેસર કબજો કરી રહ્યાં છે. બીજી તરફ પહાડી વિસ્તારમાં વસતા આદિવાસીઓનો દાવો છે કે આ જમીન તેમના બાપદાદાઓની પૈતૃક જમીન છે. તેઓ વર્ષોથી અહીં રહી રહ્યાં છે અને ત્યાં જ રહેશે. બસ આ વિવાદને કારણે આંદોલનની શરૂઆત થઈ, જેને પાછળથી હિંસક સ્વરૂપ લઈ લીધું છે.

મણિપુરમાં થઈ રહેલાં હિંસક તોફાનોનાં કારણો

મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે. જે રાજ્યનો ૧૦% ભાગ રોકે છે. અહીં રાજ્યની ૫૩% વસતી વસે છે. જ્યારે બાકીનો ૯૦% ભાગ પહાડી વિસ્તાર છે. અહીં રાજ્યની ૪૩% વસતી રહે છે. બાકીની વસતી અન્ય જગ્યાએ વસે છે. આ પહાડી વિસ્તારોમાં માન્યતાપ્રાપ્ત ૩૩ પ્રકારની જનજાતિ રહે છે. જેમાં સૌથી વધુ કુકી અને નાગા જનજાતિ છે. આ બંને જનજાતિઓ ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે.

રાજ્યની પ્રમુખ વસતી મૈતી સમુદાયની છે. રાજ્યમાં આ સમુદાયનું વર્ચસ્વ જોવા મળે છે. આજે રાજ્યના ૬૦ ધારાસભ્યોમાંથી ૪૦ ધારાસભ્યો મૈતી સમુદાયના છે. આ સમુદાય હિંદુ ધર્મ પાળે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૧સી પ્રમાણે રાજ્યના પહાડી વિસ્તારમાં વસતી જનજાતિને વિશેષ દરજ્જો મળેલો છે. તથા આદિવાસી લેન્ડ રીફોર્મ એક્ટના કારણે મૈતી સમુદાય પહાડી વિસ્તારમાં જમીનની લે-વેચ નથી કરી શકતો. મૈતી સમુદાય અને અન્ય જનજાતિઓ વચ્ચેના સંઘર્ષનું કારણ એક આ પણ જોવાય છે.

મણિપુરના મૈતી સમુદાયને એસટીનો દરજ્જો આપવાની જાહેરાત

મૈતી ટ્રાઇબ યુનિયનની માંગણીઓના કારણે સરકારે મૈતી સમુદાયને એસટીનો દરજ્જો આપવાની જાહેરાત કરતાં જ રાજ્યના પહાડી વિસ્તારોમાં વસતા આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે. પહાડી વિસ્તારના આદિવાસીઓનું કહેવું છે કે મૈતી સમુદાય રાજ્યની વસતીનો મોટો હિસ્સો ધરાવે છે, તેથી જો મૈતી સમુદાયને એસટીનો દરજ્જો અપાય તો આદિવાસીઓને તેમને મળતી એસટી દરજ્જાની સુવિધાઓમાં ઘટાડો થશે તે ભય સતાવી રહ્યો છે.

સરકારની જંગલ વિસ્તારોમાં ગેરકાયદે અતિક્રમણ પ્રવૃત્તિ પર લાલ આંખ

મણિપુર સરકાર જંગલોમાં થતાં ગેરકાયદે અતિક્રમણ પર લાલ આંખ કરીને કાર્યવાહી કરી રહી છે. સરકારનું કહેવું છે, કે કેટલાંક લોકો જંગલોની જમીન અને વન્ય અભ્યારણ્યોમાં ગેરકાયદે અતિક્રમણ કરીને ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આની સામે મણિપુરના આદિવાસીઓનું કહેવું છે કે સરકાર જે જમીન સામે લેન્ડ સર્વે કરાવે છે તે જમીન અમારાં પિતૃઓની છે. અમે અહીં સદીઓથી વસવાટ કરીએ છીએ એટલે અમે જમીન નહીં છોડીએ. આ કારણે પણ સરકાર અને જનજાતીઓ વચ્ચે તણાવ વધ્યો છે.

મણિપુરનાં કુકી સંગઠન અને સરકાર વચ્ચે કરારનો ભંગ

મણિપુરના કુકી વિદ્રોહી સંગઠનોએ વર્ષ ૨૦૦૮માં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહના સમયે કેન્દ્ર સરકાર અને સૈન્ય બળવામાં સામેલ કુકી વિદ્રોહી સંગઠનો સાથે એક સમજુતી કરી હતી. જે અનુસાર દર ૧૦ વર્ષે સરકાર અને કુકી સંગઠનોની બેઠક મળે છે. આ બેઠકમાં રાજકીય વાતચીતને પ્રોત્સાહન અપાતું હોય છે. ચાલું વર્ષે આ બેઠક મળી નથી. તેથી કુકી વિદ્રોહીઓએ આ ઘટનાને વર્ષ ૨૦૦૮માં કરાયેલાં સમજુતી કરારને ભંગ તરીકે દર્શાવ્યો છે. આ કારણે પણ સરકાર અને કુકી સમુદાય વચ્ચે સંઘર્ષ વધ્યો છે.

મણિપુરમાં મૈતી અને કુકી સમુદાય વચ્ચે તણાવ

હાલમાં મુખ્ય તણાવ મૈતી અને કુકી સમુદાય વચ્ચે જોવા મળે છે. બંને સમુદાય પોતપોતાના હિતો માટે આમનેસામને આવી ગયાં છે. આ બંને સમુદાય વચ્ચે હાલમાં હિંસક અથડામણના કિસ્સા વધી ગયાં છે.

મણિપુરમાં તોફાનો કેમ વધી રહ્યાં છે?

મણિપુરથી ૬૩ કિમી દૂર આવેલાં ચુરાચંદપુર જિલ્લાથી આ તોફાનોની શરૂઆત થઈ હતી. અહીં ધ ઇન્ડિજેનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમે સરકારના લેન્ડ સર્વેના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું. જોતજોતામાં આ બંધે હિંસક આંદોલનનું સ્વરૂપ લઈ લીધું હતું. કેટલાંક તોફાનીઓએ તુઇબોંઝ વિસ્તારમાં આવેલી વન વિભાગની ઑફિસમાં આગ લગાડી દીધી હતી. જેથી મણિપુર પોલીસ અને કુકી આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના બાદ ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ મણિપુરે મૈતી સમુદાયને એસટીનો દરજ્જો આપવામાં વિરોધમાં રેલી કાઢી હતી. આ રેલીના વિરોધમાં મૈતી સમુદાય પણ આગળ આવ્યો હતો. બંને સમુદાય આમનેસામને આવી જતાં સ્થિતિ વણસી હતી અને ભયાનક હિંસક અથડામણ થઈ હતી. આ રીતે આ હિંસાની આગ સમગ્ર મણિપુરમાં ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો:-

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો:- Join Whatsapp Group

૩૧ જુલાઈ પહેલાં આટલું કરી લેજો, નહીંતર ઘણો પસ્તાવો થશે

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 4062 જગ્યાઓ માટે ભરતી

NIOH Recruitment 2023: અમદાવાદમાં સરકારી નોકરીની તક, આજે જ અરજી કરો

ગુજરાતી ભાષામાં તાજેતરના મુદ્દાને ઉજાગર કરતાં લેખો, વાર્તાઓ અને કવિતાઓ વાંચવા માટે:- અહીં ક્લિક કરો.

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News