આ રીતે પૈસાનું મેનેજમેન્ટ કરો, ક્યારેય દુઃખી નહીં થવું પડે – Top 7 Money Management Tips

ઘણાં લોકો રૂપિયા કમાય છે ખરાં, પણ તેને મેનેજ કરવાની આવડત ન હોવાને કારણે સરવાળે હાથમાં કાંઈ બચતું નથી. આથી ઉલટું ઘણાં લોકો ખૂબ ઓછાં રૂપિયા કમાતાં હોય છે, પણ પૈસાનું મેનેજમેન્ટ (Money Management) કરવાની આવડતને કારણે બીજા લોકો કરતાં વધાર ખુશ અને સુખી નજરે પડે છે. ધન કમાવું જેટલું જરૂરી છે, એટલું જ તેનો યોગ્ય રીતે વહીવટ અને મેનેજમેન્ટ કરવું પણ જરૂરી છે. આજે આપણે પૈસા બચાવવાની, તેનો યોગ્ય વહીવટ કરવાની અને તેનું મેનેજેમેન્ટ કરવાની કેટલીક એવી મૂળભૂત રીતો અને નિયમો વિશે વાત કરીશું, જેનાંથી તમને ઘણો ફાયદો થશે. જાણો Top 7 Money Management Tips પૈસાનું મેનેજમેન્ટ કરવાના સાત મૂખ્ય નિયમો વિશે.

પૈસાનું રોકાણ કરવાનું રાખો (Investing Your Money)

આપણે ત્યાં કહેવત છે કે પૈસો પૈસાને ખેંચે. જો તમારી પાસે રૂપિયા છે તો તેનો સંગ્રહ કરી રાખવાની જગ્યાએ તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરો. પૈસા જો ઘરમાં પડ્યાં રહેશે, તો ક્યાંક ને ક્યાંક વપરાઈ જ જશે, એના બદલે તેને યોગ્ય સ્કીમમાં રોકો. પૈસા ઇન્વેસ્ટમેન્ટનો નિયમ એવું કહે છે, કે જે વ્યક્તિ જેમ બને તેમ નાની ઉંમરમાં પૈસાનું રોકાણ (Investment) શરૂ કરી દે છે, તેને સૌથી વધુ ફાયદો થાય છે. આ વિધાનને સાબિત કરતાં અનેક દાખલાઓ આપણી આસપાસ આપણને જોવા મળે છે. તમે જેટલી નાની ઉંમરથી રોકાણ કરશો, એટલો જ તમારો રોકાણનો સમય વધશે અને જેટલો સમય તમને વધારે મળશે, એટલું જ વધારે રીટર્ન તમને મળશે. આ રીતે તમારો પૈસો જાતે જ વધારાના પૈસાને ખેંચીને તમારા ખાતામાં જમા કરશે.

બીજાને જોઈને ક્યારેય રોકાણ ન કરો

જ્યારે પણ આપણે પૈસાનું રોકાણ કરવાનું વિચારીએ અટલે આમ તેમ લોકોની વાતો સાંભળતા હોઈએ છીએ કે પેલાં એ શેર બજારમાં રોક્યાં ને કરોડપતિ થઈ ગયો. ફલાણાંએ ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency)માં રોક્યાં ને આજે કરોડોમાં રમે છે. પેલો મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે એટલે ઘણો પૈસાદાર છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર અનેકો સક્સેસ સ્ટોરી જોવા મળશે. પણ જ્યારે તેની અસલિયત જાણશો તો ખબર પડશે કે આ બધાં પાછળ કેટલાં વર્ષોની મહેનત અને કેટલી સમજણ રહેલી છે. આવી રીતે રોકાણ કરશો તો નક્કી પડશો. તો રોકાણ(Investment) કરતાં પહેલાં આટલું ધ્યાન રાખો.

જેના વિશે કાંઈ ખબર ન હોય તેમાં પૈસાનું રોકાણ ન કરવું

એક ભાઈએ શેર બજારમાં કરોડો બનાવી લીધાં, તો હું પણ શેર બજારમાં રોકાણ કરું અને કરોડો બનાવું એ માન્યતા સદંતર ખોટી છે. પેલાં ભાઈને શેર બજારનું સાચું જ્ઞાન છે. એને ખબર છે કે કયો સ્ટોક ક્યારે ખરીદવો અને ક્યારે વેંચવો. તમને શેર બજારમાં કાંઈ ગતાગમ ન પડે તો એમાં ન પડાય. તમારે જે પણ શાખામાં પૈસાનું રોકાણ કરવું હોય ત્યાં પહેલાં ઊંડું સંશોધન કરો, તેના ફાયદા-નુકસાન વિશે જાણો. કેટલાં સમયમાં કેટલું રોકાણ કરશો તો કેટલો ફાયદો થશે તેનું જ્ઞાન મેળવો. જે જગ્યાએ રોકાણ કરવું છે એનું પાયાનું જ્ઞાન મેળવો. આટલું ધ્યાનમાં રાખીને પૈસાનું રોકાણ કરશો તો તમારા પૈસા ક્યારેય નહીં ડૂબે.

કોઈ પણ એક જ જગ્યાએ બધાં પૈસા ન રોકો

કોઈ એક જ ટોપલીમાં બધા સફરજન ન રાખવાં, એ નિયમ પૈસાને પણ લાગું પડે છે. પૈસાનું રોકાણ ક્યારેય એક જ જગ્યાએ ન કરવું જોઈએ. તમારી પાસે જેટલાં પણ રૂપિયા હોય, તેના ફક્ત ૧૦% જ એક જગ્યાએ રોકો. કેટલાંક સંજોગોમાં કોઈ શાખા કે જ્યાં તમે તમારા મોટાભાગના રૂપિયા રોકી રાખ્યાં છે, તે ડૂબી ગઈ તો શું કરશો?

જે-તે શાખાની સાથે તમે પણ ડૂબી જશો અને ભારે નુકસાન થઈ જશે. એના કરતાં અલગ અલગ સ્કીમમાં થોડાં થોડાં રૂપિયાનું રોકાણ કરો. એનાથી કોઈ એક સ્કીમ નુકસાનમાં પણ ચાલશે તો પણ તમને વધારે નુકસાન નહીં થાય.

પોતાનાં ખર્ચાને ટ્રેક કરતાં રહો (Track Your Money)

ઘણાં લોકોને ડાયરી રાખવાની આદત હોય છે. જો તેઓ દસ રૂપિયા પણ ખર્ચ કરે તો તરત ડાયરીમાં ટપકારી દેતાં હોય છે. આ ખૂબ સારી રીત છે. તમે જે પણ ખર્ચો કરો છો તેને લખતાં રહો. જો તમે મહીને ૫૦,૦૦૦ રૂપિયા કમાવો છો તો તેને ક્યાં ખર્ચ કરો છો તેની નોંધ રાખો. મહીનાનાં અંતે જ્યારે તમે હિસાબ જોશો તો ખબર પડશે કે ૨૫% એવા ખર્ચા હતાં જે ન કર્યાં હોત તો પણ તમારી રોજિંદી જીવનશૈલીમાં કાંઈ ફરક ન પડત. આ પૈસા ખોટા વપરાઈ ગયાં. એના કરતાં તો એને બચાવીને કોઈક જગ્યાએ ઇન્વેસ્ટ કર્યાં હોત તો ભવિષ્યમાં કામ લાગત.

તમે જ્યારથી હિસાબ રાખવાનું અને તેને ટ્રેક કરવાનું શરૂ કરશો કે બીજા મહીનાથી તમારી બચતમાં વધારો જોવા મળશે. એક વાર જરૂર પ્રયત્ન કરી જુઓ.

બીજાને દેખાડો કરવા ક્યારેય પૈસા ન ખર્ચો

એક જૂની કહેવત છે કે, ચાદર હોય એટલાં જ પગ ફેલાવા. જ્યારે મની મેનેજમેન્ટમાં કહેવત છે કે જરૂર હોય એટલો જ ખર્ચો કરો. તમે તમારી રોજિંદી જરૂરિયાત પૂરી થાય એટલો ખર્ચો કરો છો એ ચાલે. જો તમારો કોઈ મિત્ર કે પાડોશી, આઇ ફોન વાપરે છે કે પછી ઓડી ગાડીમાં ફરે છે તો તમારે પણ એની જેમ જ કરવું એ ૧૦૦%ની મૂર્ખામી છે.

વ્યક્તિગત સુખ સાહ્યબી માટે લોન ક્યારેય ન લેવી

આજે લગ્નોમાં પણ દેખાડો કરવા યુવક-યુવતીઓના મા-બાપ લાખો રૂપિયા માત્ર ૩ દિવસમાં ઊડાડી દેતાં હોય છે. લગ્ન તો બે કે ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જાય છે, પણ ત્યારપછીની જિંદગી દોજખ બની જાય છે. લીધેલી લોન ના હપ્તા ભરવામાં મા-બાપ વાંકા વળી જાય છે. તમે જેને દેખાડવા ખર્ચો કરો છો કે તે વ્યક્તિ કે સમાજ તમારી બૅન્કના હપ્તા ભરવા નહીં આવે. એટલે ખર્ચો એટલો જ કરો જેટલો જરૂરી છે.

સંબંધો અને પૈસાને અલગ રાખો

સંબંધોમાં જ્યારે પૈસો આવી જાય છે, ત્યારે ઘણીવાર પૈસો તો ડૂબે જ છે પણ સાથે સાથે જે-તે વ્યક્તિ સાથેનો સંબંધ પણ બગડે છે. પૈસાનું મેનેજમેન્ટ કરવાનો નિયમ કહે છે કે મિત્રતા કે સંબંધને પૈસાથી અલગ રાખો. કોઈ મિત્રના કહેવાથી ક્યારેય કોઈ જગ્યાએ રોકાણ ન કરો. તમારો મિત્ર વીમા કંપનીનો એજન્ટ હોય અને તે તમને વીમો લેવાનું કહે ત્યારે તમે મિત્રતાને કારણે તે વીમો લઈ લો છો. તમારો મિત્ર તો બે મહીનામાં પોતાની કંપની બદલીને બીજી કંપનીમાં જતો રહેશે, પણ તમે લાઇફટાઇમ જે-તે વીમાનું ભારે પ્રીમિયમ ભરતાં ર્હઓ છો. આમ, કરવાથી તમારી મિત્રતા પણ બગડે છે અને તમારો પૈસો ખોટી જગ્યાએ રોકાઈ રહે છે.

દર વર્ષે આવકમાં વધારો થાય એવી રીતે રોકાણ કરો

રોકાણ એવી સ્કીમમાં કરો કે જ્યાં તમને દર વર્ષે મળતાં રીટર્નમાં વધારો જોવા મળે. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે, રૂપિયાની કિંમત ઘટી રહી છે એટલે આવનારી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તમારી આવક પણ દર વર્ષે વધવી જ જોઈએ. જો તમે એવી સ્કીમમાં રૂપિયા રોક્યાં છે કે જેમાં મળતાં રીટર્નમાં ગ્રોથ જોવા નથી મળતો, તો તેને તરત જ બદલી નાખો અને બીજી સ્કીમમાં રૂપિયા રોકી દો.

દર વર્ષે આવકના ૫%થી ૧૦% પોતાના અને પોતાના પરિવાર માટે વાપરો

તમને એમ થશે કે આ તો ખર્ચો કરવાની વાત આવી. ના, આ પણ રોકાણનો એક હિસ્સો છે. દર વર્ષે પોતાના અને પોતાના પરિવારની ખુશી માટે રૂપિયા ખર્ચશો તો એ તમારું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ(Imotional Investment) ગણાશે. તમારો તમારા પરિવાર સાથેનો નાતો ગાઢ બનશો. પોતાના પરિવાર સાથે ક્યાંક ફરવા જાઓ કે તેમના સાથે મોજમસ્તી કરવામાં રૂપિયા વાપરો. આટલું કરવાથી તમે તમારા પરિવારની ખૂબ નજીક પહોંચશો.

આનો ફાયદો એ થશે કે જ્યારે પણ તમે નાણાકીય ભીડ અનુભવી રહ્યાં હશો, ત્યારે તમને તમારા પરિવાર તરફથી ઇમોશનલ અને મેન્ટલી સપોર્ટ મળી રહેશે. આવી પરિસ્થિતિમાં ઊભા થવા માટે આ ખૂબ જરૂરી છે. પરિવારના સપોર્ટથી તમે પાછા ઊભા થઈ શક્શો અને ફરી પૈસા કમાવવામાં લાગી શક્શો.

આ પણ વાંચો:- ૩૧ જુલાઈ પહેલાં આટલું કરી લેજો, નહીંતર ઘણો પસ્તાવો થશે

આ પણ વાંચો:- જો પૈસાના ઝાડ હોય તો?

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News