ચોમાસામાં ઉપદ્રવ મચાવતી લાલ કીડીઓને ભગાડવાના 10 દેશી ઉપાયો

ચોમાસામાં કીડીઓનો ઉપદ્રવ અચાનક વધી જાય છે. આ કીડીઓ કાળી હોય તો અનાજનો લોટ છાંટવાથી થોડી વારમાં છૂમંતર થઈ જાય છે, પણ લાલ કીડીઓ જલદી જતી નથી. લાલ કીડીઓનો ડંખ પણ ખૂબ પીડા આપે છે. લાલ કીડી અને મધમાખીના ડંખમાં ફોર્મિક એસિડ જોવા મળે છે. તેથી આ બંનેનો ડંખ ખૂબ પીડા આપે છે. કેટલાંક લોકોને તો લાલ કીડીના ડંખથી આખું શરીર પણ ફૂલી જાય છે. આ બધી સમસ્યાઓથી તમે ઘરઘથ્થુ અને દેશી ઉપાયથી પણ છૂટકારો મેળવી શકો છે. ચાલો જોઈએ લાલ કીડીઓને ભગાડવાના દેશી ઉપાયો વિશે.

વિનેગાર

વિનેગાર(સરકો)ની ગંધ કીડીઓને ગમતી નથી. ઘરમાં જે જગ્યાએ કીડીઓ ઉભરાતી હોય ત્યાં વિનેગારનો સ્પ્રે કે તેનું પોતું ફેરવવાથી કીડીઓ પળવારમાં ભાગી જશે.

તજ

કીડીઓને તજની ગંધ પણ ગમતી નથી. રસોડામાં જ્યાં પણ કાળી કે લાલ કીડીઓનો રાફડો ફાટ્યો હોય ત્યાં તજનાં પાંદડાં વેરી દેવાથી કીડીઓ ભાગી જાય છે.

લીંબુથી ભગાડો લાલ કીડીઓ

લીંબુમાં રહેલો સાઇટ્રીક એસીડ અને તેનો ખાટો સ્વાદ કીડીઓને જરાય પસંદ નથી. લીંબુની ગંધ પણ કીડીઓ માટે અસહ્ય હોય છે. ઘરમાં જ્યાં પણ લાલ કીડીઓ આવતી હોય ત્યાં  લીંબુનો રસ છાંટી દો, અથવા લીંબુની છાલને તે જગ્યા પર ઘસી નાખો. આટલું કરવાથી કીડીઓ તે જગ્યા પર ક્યારેય નહીં આવે.

મીઠાંથી ભાગશે લાલ કીડીઓ

કીડીઓને જેટલી વધારે ખાંડ પ્રિય છે, તેટલી જ નફરત કીડીઓને મીઠાંથી છે. એક તપેલી પાણીમાં થોડું મીઠું નાખીને ઉકાળી લો. ત્યારબાદ ઠંડું પડે એટલે તેને કીડીઓની જગ્યાએ છાંટો, આટલું કરવાથી કાળી અને લાલ કીડીઓ બંને ભાગી જશે. તમે ઘરમાં રોજ પોતું કરતી વખતે પણ મીઠાંનો ઉપયોગ કરી શકો છો. તમારે રોજ પોતું કરવાની પાણીની ડોલમાં થોડું મીઠું નાખીને, તેને સરખું મિક્સ કરીને, તે પાણીથી રોજ પોતું કરશો તો થોડાં દિવસોમાં કીડીઓ તમારા ઘરનો રસ્તો ભૂલી જશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા પણ કીડીઓને ભગાડવામાં કારગર સાબિત થાય છે. ઘરમાં જે જગ્યાએ કીડીઓનો રાફડો ફાટ્યો હોય કે, જે જગ્યાથી કીડીઓ ઘરમાં આવતી હોય તે જગ્યા પર બેકિંગ સોડાનો છંટકાવ કરવાથી કીડીઓ ભાગી જશે.

લીમડાંનું તેલ

લીમડાંનું તેલ ઘરમાં કીડીઓને ભગાડવામાં સૌથી ફાયદાકારક સાબિત થયું છે. તમે એને ઘરે જ બનાવી શકો છે અથવા બજારમાંથી તૈયાર પણ લાવી શકો છો. ઘરમાં જે જગ્યાએ કીડીઓ ઊભરાતી હોય ત્યાં લીમડાંનું તેલ છાંટવાથી કે કીડીઓની આવવાની જગ્યા પર રેડવાથી કીડીઓ તરત જ ભાગી જાય છે. કીડીઓને લીમડાંના તેલનો કડવો સ્વાદ જરાંય પસંદ નથી આવતો.

ઘરે જ લીમડાંનું તેલ બનાવતાં શીખો

ઘરે લીમડાંનું તેલ બનાવવા માટે નારીયેળના તેલમાં લીમડાંના થોડાં પાન નાખી દો. પછી તેને બરાબર ઉકળવા દો. લીમડાંના પાન કાળા પડી જાય પછી ગેસના સ્ટવને બંધ કરીને તેલ ઠંડું પડવા દો. પછી તેને એક શીશીમાં ગાળી લો. આ તેલને તમે કીડીઓ સિવાય બીજી જીવાતને ભગાડવા માટે પણ કરી શકો છે. આ તેલનો ઉપયોગ તમે માથાનાં વાળમાં નાખવા પણ કરી શકો છો.

નીલગિરીનું તેલ

નીલગિરીનું તેલ પણ કીડીઓને ભગાડવામાં ખૂબ જ ઉપયોગી છે. તમે બજારમાંથી આ તેલ ખરીદીને ઘરમાં જ્યાં પણ કીડીઓનો ઉપદ્રવ હોય ત્યાં છાંટી શકો છો. તેનાથી કીડીઓ તરત જ ભાગી જશે.

હળદરથી ભગાડો લાલ કીડીઓ

કીડીઓને ભગાડવામાં હળદર દવા જેવું કામ કરે છે. કીડીઓ પર હળદરનો પાવડર વેરવાથી તે જગ્યાએ કીડીઓ આવવાની હંમેશા બંધ થઈ જશે.

લવિંગ બચાવશે મીઠાઈને કીડીઓથી

લવિંગનો તીખો સ્વાદ અને તેની તેજ ગંધ કીડીઓ માટે અસહ્ય બની જાય છે. એટલે તમે રસોડામાં છૂટા છૂવાયા થોડાં લવિંગ વેરી દેશો તો કીડીઓ ત્યાં નહીં આવે. ઘરમાં બનેલી મીઠાઈ કે દરેક ગળી વસ્તુની કીડીઓથી રક્ષા પણ લવિંગ કરે છે. ગળી વસ્તુ કે મીઠાઈના ડબ્બામાં લવિંગના બે-ત્રણ નંગ મૂકી રાખવાથી ત્યાં કીડીઓ આવતી નથી.

કપુરથી ભાગશે લાલ કીડીઓ

કપુર એ ફક્ત લાલ કીડીઓ જ નહીં પણ દરેક જાતની જીવાતને ભગાડવા માટે કારગર સાબિત થયું છે. ઘરમાં જે જગ્યાએ કપુર હોય ત્યાં કીડીઓ ભૂલથી પણ નહીં ભટકે. તમે પૂજાવિધિમાં વપરાતું કપુર પણ વાપરી શકો છો. જો તમારે અસરકારક પરિણામ જોઈતું હોય તો બજારમાંથી ભીમસેની કપુર લાવીને તેના ટૂકડાં ઘરના દરેક ઓરડાંના ચારે ખૂણે અને જ્યાં પણ કીડીઓ આવતી હોય ત્યાં મૂકવાથી, લાલ કીડીઓ તરત જ ભાગી જશે.   

આ પણ વાંચો:- આંખો આવવી, કન્ઝક્ટિવાઇટિસ, લાલ કે ગુલાબી આંખ, બળતરા, પાણી પડવું, આંખોમાં ખંજવાળ વગેરે રોગોમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News