Uniform Civil Code-UCC યુનિફોર્મ સિવિલ કોડના ફાયદા અને તેની સામેના પડકારો

યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code-UCC) એટલે દેશના દરેક નાગરિક માટે એક સરખો દીવાની કાયદો. એક રીતે જોવા જોઈએ તો આ કાયદાનું આદર્શ સ્વરૂપ છે. યુનિફોર્મ સિવિલ કોડનો સૌપ્રથમ ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ-૪ના ૪૪માં અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે. આ અનુચ્છેદ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૈકીનો એક છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશ કે રાજ્યને સમયની સ્થિતિ અને નીતિ અનુસાર દેશ કે રાજ્યના ઉત્કર્ષ માટે કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે.

આ સિદ્ધાંતોને કોર્ટમાં પડકારીને તેનો અમલ કરાવી શકાતો નથી. દેશ કે રાજ્ય ઇચ્છે ત્યારે તેના માટે અલગથી કાયદો બનાવીને તેનું પાલન કરાવી કરે છે. આ કારણે બંધારણમાં હોવા છતાં યુનિફોર્મ સિવિલ કોડ માટે કોઈ કાયદો ન હોવાથી તેનો હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી.

યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code-UCC) શું છે?

ભારતમાં ઘણાં કાયદાઓ માટે યુનિફોર્મ કોડ છે જ, જેમકે ક્રિમિનલ લૉમાં યુનિફોર્મ કોડનું પાલન કરવામાં આવે છે. ચોરી, લૂંટ, ખૂન, બળાત્કાર વગેરે જેવા કેસોમાં દરેક વ્યક્તિને એક સરખી સજાની જોગવાઈ છે. પછી ભલે તે કોઈ પણ ધર્મ, જાતિ કે સમુદાયનો કેમ ન હોય. પરંતુ દીવાની કેસો જેવા કે, કૌટુંબિક વિવાદો, જમીન વિવાદો, દત્તકના નિયમો, વારસાઈના નિયમો, લગ્ન, તલાક અને વિધવા પુન: લગ્ન વગેરે જેવા કેસોમાં જે-તે ધર્મ માટે અલગ અલગ પર્સનલ લૉ અમલમાં છે.

દરેક ધર્મ માટે તેમના પર્સનલ લૉ પ્રમાણે દીવાની કેસોની સુનાવણી થાય છે, અને પર્સનલ લૉ પ્રમાણે જ તેમને સજા કે સજા માફી મળે છે. આ બધાં પર્સનલ લૉને કારણે દરેક વ્યક્તિને દીવાની કાયદા માટે એકસરખો ન્યાય નથી મળતો. અહીં ન્યાયની વિસમતા જોવા મળે છે. તેથી દેશમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC)ની માંગ ઊઠી છે.

યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC)ની માંગ તીવ્ર કેમ બની?

યુનિફોર્મ સિવિલ કોડ-UCC વિશે બંધારણમાં ઉલ્લેખ છે જ, પરંતુ Uniform Civil Codeની માંગને વેગ શાહબાનો કેસથી મળ્યો. વર્ષ ૧૯૮૫માં શાહબાનોને તેના પતિ મોહમ્મ્દ એહમદ ખાને ૪૦ વર્ષના લગ્ન જીવન બાદ એકાએક ત્રિપલ તલાક આપી દીધા. પતિના આ કૃત્યને શાહબાનોએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યું અને ત્યારબાદ ઠંડી પડી ગયેલી યુનિફોર્મ સિવિલ કોડની માંગને નવજીવન મળ્યું. શાહબાનો કેસને કારણે કેટલીય રાજનીતિક ગતિવિધિઓ થઈ અને આ કેસ રાજનીતિ માટે હંમેશા ચર્ચાનો વિષય બની રહ્યો. શાહબાનોએ પોતાના ધર્મના આગેવાનો સામે ટક્કર ઝીલી અને સુપ્રિમ કોર્ટમાં જીત હાંસિલ કરી. આ કેસને કારણે શાહબાનો જેવી કરોડો મુસ્લિમ મહિલાઓને તલાક સામે ભરણપોષણનું સંરક્ષણ મળ્યું.

આજે પણ અનેક ધર્મના પર્સનલ લૉ પ્રમાણે કેટલીક રૂઢિચુસ્ત રીતિરિવાજોનું પાલન થાય છે. આ રીતિરિવાજો એક તરફ ધર્મના સંરક્ષણ માટે હોય છે, તો બીજી તરફ એ જ ધર્મના કેટલાંક વ્યક્તિઓના માનવીય અધિકારોનું હનન કરી નાખે છે. જેમ કે, પારસી સમાજમાં જો કોઈ મહિલા અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેની પાસેથી પારસી હોવાનો દરજ્જો છીનવાઈ જાય છે. તેના સંતાનને પણ કોઈ લાભ મળતો નથી.

હિંદુ કોડ બીલ(Hindu Code Bill) શું છે?

ભારતની આઝાદી પછી અનેક ધર્મોમાં ઘર કરી ગયેલાં કેટલાંક રીતિરિવાજો કે જે માનવીય અધિકારોનું હનન કરતાં હતાં. તે બધાંને દૂર કરવું તે સમયે અશક્ય હતું. પરંતુ હિંદુઓ પ્રગતિશીલ લાગતાં આ બદલાવની શરૂઆત હિંદુઓથી થઈ. હિંદુ ધર્મમાં ઘૂસી ગયેલી બદીઓને દૂર કરવા માટે હિંદુ કોડ બીલ(Hindu Code Bill) લાવવામાં આવ્યું હતું.

વર્ષ ૧૯૪૧માં સર બી.એન. રાવ કમિટીએ હિંદુ ધર્મનું કોડીફિકેશન કર્યું હતું, જેમાં અસ્પૃશ્યતા, બહુપત્નીત્વ, વારસાઈ હક, દત્તક હક, મહિલાઓના સામાન્ય અધિકારો વગેરે જેવા મુદ્દા સમાવવામાં આવ્યાં હતાં. આ કોડીફિકેશનને આધારે ભારતની આઝાદી પછી ડૉ. બાબા સાહેબ આંબેડકરે વર્ષ ૧૯૫૦માં સંસદમાં હિંદુ કોડ બીલ(Hindu Code Bill) રજુ કર્યું, જેને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું સમર્થન પ્રાપ્ત હતું.

તે સમયે અનેક હિંદુ સંગઠનોએ અને જવાહરલાલ નહેરુની પોતાની જ પાર્ટીમાંથી અનેક નેતાઓએ તેનો વિરોધ કર્યો. તે સમયે બહુમતી હિંદુ સમુદાય આ કોડ બીલના વિરોધમાં હતો. ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા રજુ કરવામાં આવેલું આ બીલ તે સમયે હિંદુ રૂઢિગત પ્રણાલીઓ અને રીતિરિવાજો પર પ્રહાર કરતો હતો. આ બીલ મહિલાઓ અને પછાત લોકોને કેટલાંક મૂળભુત અધિકારો પ્રદાન કરતું હતું.

તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ યુક્તિપૂર્વક આ બીલમાં હિંદુ ધર્મ શબ્દની વ્યાખ્યામાં હિંદુ ઉપરાંત શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયને સમાવી લીધા હતા. આજે હિંદુ ધર્મે જે આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે તે હિંદુ ધર્મના સમાજસુધારકોને આભારી છે. હિંદુ ધર્મમાં પણ સતીપ્રથા, વિધવા પુનઃલગ્ન નિષેધ, બાળકીઓને દુધપીતી કરવાનો રિવાજ, પડદાપ્રથા, બહુપત્નીત્વ, દહેજ પ્રથા, અસ્પૃશ્યતા વગેરે જેવા રૂઢિચુસ્ત રીતિરિવાજો હતાં, જેને તે સમયના રાજા રામમોહનરાય અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજસુધારકોએ જીવના જોખમે દૂર કર્યાં હતાં.

ગોવાનો યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC of Goa)

આજની સ્થિતિએ ફક્ત ગોવા એકમાત્ર રાજ્ય છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ-UCC લાગુ છે. આ યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code) કોઈ ભારતીય સરકારે લાગુ કર્યો નથી. આ કાયદો વર્ષ ૧૮૬૭માં પોર્ટુગીઝ સરકારે ઘડ્યો હતો. જે ગોવાના દરેક નાગરિક પર લાગુ થાય છે. પરંતુ આ કાયદામાં પણ થોડાં મતવિવાદ છે. જેમકે, આ કાયદામાં ગોવાના કેથલિક ઈસાઈ ધર્મના લોકો અને અન્ય સમુદાયના લોકો માટેના નિયમો અલગ અલગ છે.

ગોવામાં હિંદુ વ્યક્તિ માટે બહુ પત્નીત્વ કાયદેસર છે.

આજની તારીખે ફક્ત ગોવા એકમાત્ર રાજ્ય છે, કે જ્યાં હિંદુ વ્યક્તિ બે લગ્ન કરી શકે છે. નિયમ પ્રમાણે ગોવાના કોઈ હિંદુ વ્યક્તિની પત્નીને ૩૦ વર્ષની ઉંમર પછી પણ સંતાન નથી થતું તો તે હિંદુ પુરુષ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. 

યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC) ના ફાયદા

 • યુનિફોર્મ સિવિલ કોડ એ નોંધપાત્ર કાયદાઓમાં પ્રચલિત ભેદભાવોને દૂર કરીને દરેક વ્યક્તિને કાયદાનું સમાન સંરક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરે છે.
 • યુનિફોર્મ સિવિલ કોડ-UCC એક દેશ- એક કાયદોની પરિભાષાને ટેકો આપે છે.
 • તે લિંગ અસમાનતાને દૂર કરી શકે છે.
 • તે મહિલાઓને લગ્ન, તલાક અને વારસાઈ હકોમાં સંરક્ષણ પૂરું પાડે છે.
 • તે મહિલાઓનું સશક્તીકરણ કરીને તેમની સામાજિક અને આર્થિક સુખાકારીને પ્રોત્સાહિત કરે છે.
 • Uniform Civil Code-UCC રાષ્ટ્રની ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય એકીકરણના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપે છે.
 • તે કાયદાઓની જટિલતા દૂર કરીને ન્યાયતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાની તરફેણ કરે છે.
 • તે ન્યાયમાં ઊભી થયેલી વિસમતાઓને દૂર કરે છે.
 • તે ધર્મને કારણે અસર કરતાં વ્યક્તિના મૂળભુત અને માનવાધિકારોનું રક્ષણ કરે છે.

યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC) સામેના પડકારો

યુનિફોર્મ સિવિલ કોડ દેખીતી રીતે સરળ લાગે છે, પણ તે એટલો સરળ નથી. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આજે દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ અને સમુદાયના લોકો રહે છે. આ દરેક સમુદાયના વ્યક્તિઓના સામાજિક નિયમો અલગ અલગ છે. યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC)  સામેનો મુખ્ય પડકાર એ છે કે તે આ સામાજિક અને સાંસ્કૃતિક નિયમો પર પ્રહાર કર્યા વગર કઈ રીતે લાગુ કરવો.

 • ભારતીય બંધારણની છઠ્ઠી અનુસુચી પ્રમાણે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારોને કેટલોક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે.
 • ભારતમાં દરેક રાજ્યમાં તેમાં વસતાં આદિવાસી સમુદાયોના રીતિરિવાજો અને સંસ્કૃતિઓને લગતા નિયમો અલગ અલગ છે.
 • યુનિફોર્મ સિવિલ કોડને લીધે કેટલાક આદિવાસી સમુદાયમાં એ ભય છે કે આ કાયદો તેમના છોટાનાગપુર ટેનેંસી એક્ટ અને સંથાલ પરગણા એક્ટને અસર કરશે.
 • ઝારખંડના ૩૦થી વધુ આદિવાસી સમુદાય તેમના સ્પેશિયલ હક છીનવાઈ જવાના ભયને કારણે યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરી રહ્યાં છે.  
 • મેઘાલયનો ખાસી સમુદાય માતૃસત્તાત્મક નિયમોનું પાલન કરે છે. અહીં પરિવારની સૌથી નાની દીકરીને સંપત્તિની સંરક્ષક માનવામાં આવે છે. અહીંના લોકો પોતાના નામની આગળ પોતાની માતાની અટક લગાવે છે.
 • હિંદુઓમાં લગ્ન બાબતે હિંદુ મેરેજ એક્ટનું પાલન થાય છે. તે મુજબ ઉત્તર ભારતમાં સગોત્ર લગ્નો એટલે કે માતા કે પિતા તરફથી પાંચ પેઢી સુધી એક લોહીના સંબંધોમાં લગ્નો થતાં નથી, જ્યારે દક્ષિણ ભારતમાં રીતિરિવાજો પ્રમાણે આવા લગ્નો સામાન્ય બાબત છે.
 • દરેક ધર્મમાં લગ્ન, તલાક, વારસાઈ, દત્તક અને કૌટુંબિક વિવાદોમાં જે-તે ધર્મના પર્સનલ લૉનો અમલ થાય છે.
 • હિંદુઓમાં પણ જમીન વિવાદને લગતાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કાયદાઓ છે.
 • હિંદુઓમાં હિંદુ અનડિવાઇડેડ ફેમિલી(Hindu Undivided Family-HUF) કાયદો છે. જેના કારણે હિંદુ કુટુંબોને ટેક્સમાં રાહત મળે છે.
 • ઉપરોક્ત બધા કાયદાઓને તમના સામાજિક અને આર્થિક રીતિરિવાજોમાં દખલ કર્યા વગર યુનિફોર્મ સિવિલ કોડના એક કાયદાના છત્ર નીચે લાવવા એ ખૂબ જટિલ વિષય છે.
 • જ્યાં સુધી દેશમાં દરેક ધર્મના સંગઠનોને વિશ્વાસમાં લઈને તેમની રજુઆતોને ધ્યાનમાં લેવામાં ન આવે ત્યાં સુધી આ વિષય રાજકીય ઘમાસાણ અને અશાંતિનો વિષય બની રહેશે.

યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC) મુદ્દે શું કરી શકાય?

યુનિફોર્મ સિવિલ કોડ-UCC એ ખૂબ જટિલ વિષય છે. તે માત્ર મુસ્લિમ સમુદાયને સ્પર્શ નથી કરતો, તે દેશના દરેક ધર્મના જાતિ અને સમુદાયને સ્પર્શ કરે છે. હિંદુઓમાં પણ જાતી અને પ્રદેશ પ્રમાણે અલગ અલગ નિયમો છે. આ બધા ધર્મો અને સમુદાયના લોકો સાથે વિચારવિમર્શ કર્યા વગર યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC)ને લાગુ કરવો એ શક્ય નથી.  

જો કાયદાકીય સમાનતાની જ વાત હોય તો, સરકાર ધારે તો દરેક ધર્મ કે સમુદાયના પર્સનલ લૉ અને સામાજિક નિયમોનો અભ્યાસ કરીને તેમાંથી માનવાધિકારોનું હનન કરતાં નિયમોને હટાવવા એક સમિતિ બનાવી શકે છે અથવા તેના માટે કાયદો ઘડીને માનવાધિકારોનું હનન થતું રોકી શકે છે.  

લોકોને મૂંઝવતા પ્રશ્નો-FAQ

હિંદુ કોડ બીલ(Hindu Code Bill) કોણે રજુ કર્યું?

ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ મક્કમપણે માનતા હતાં કે હિંદુ ધર્મમાં કેટલાંક બદલાવ જરૂરી છે. હિંદુ ધર્મે હવે આધુનિકતાને અપનાવી જોઈએ. તેથી તે સમયના કાયદાપ્રધાન ડૉ. બાબાસાહેબ આંબેડકરે હિંદુ કોડ બીલનો ડ્રાફ્ટ તૈયાર કરીને તેને સંસદમાં રજુ કર્યું.

શરિયા કાનૂન શું છે?

શરિયા કાનૂન એ મુસ્લિમ ધર્મના વ્યક્તિઓના લગ્ન, તલાક, વારસાઈ, દત્તક વગેરે જેવા મુદ્દાઓનું નિયમન કરતો કાનૂન છે. આ કાયદો ઇસ્લામ ધર્મનું પ્રમુખ માર્ગદર્શન કરતો કાનૂન છે. આ કાનુનને લાગુ કરવાનું કાર્ય મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ કરે છે.

યુનિફોર્મ સિવિલ કોડ((Uniform Civil Code-UCC)  શું છે?

યુનિફોર્મ સિવિલ કોડ-UCC એ દેશના દરેક નાગરિકને લગ્ન, તલાક, વારસાઈ, દત્તક, કૌટુંબિક બાબતો વેગેરેમાં એક સરખો દીવાની કાયદો લાગુ કરીને દરેક વ્યક્તિને કાયદાના એક છત્ર નીચે લાવવાનું કામ કરે છે.

હાલ કેટલાં દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ-UCC લાગુ છે?

હાલ અમેરિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને આયર્લેન્ડ વગેરે દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code-UCC) લાગુ છે.

આ પણ વાંચો 

આવી અવનવી માહિતીઓ માટે અમારું વ્હોટ્સએપ ગૃપ જોઈન કરો:- Join Whatsapp Group

હવે ૭/૧૨, ૮-અના ઉતારાની નકલ ઘરે બેઠાં મેળવો

મણિપુર કેમ સળગી રહ્યું છે? મણિપુરમાં થઈ રહેલાં તોફાનોનું કારણ શું? જાણો વિગતવાર

ગુજરાતી સાહિત્ય, વાર્તાઓ, કવિતાઓ અને સળગતાં મુદ્દાઓ પર લખેલાં લેખો વાંચવા અહીં ક્લિક કરો

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News